તમારી પ્રોપર્ટી, કોઈપણ મિલકતમાં તમે છેતરાયા છો ? તો પોલીસ ફરિયાદ કરવા માટે આ રીત જાણી લો.

ખોટા દસ્તાવેજથી તમારી સાથે મિલકતમાં છેતરપીંડી થઇ છે?

રોજ રોજ પેપરમાં અવારનવાર ન્યુઝમાં પ્રગટ થતા હોય છે કે ‘એક જ જમીન વારંવાર વેચી ચીટીંગ કર્યું, પેઢીનામામાં બહેનોનાં નામ નહીં દર્શાવી, ખોટા પેઢીનામા આધારે જમીન વેચી નાખી, ખોટા બાનાખત બનાવી જમીન વેચી, બોગસ વેચાણ ખતથી જમીન વેચી, પાવર ઓફ એર્ટની બનાવી છેતર્યા વગેરે સમાચારોથી આપણે વાકેફ છીએ. કોઈ વખત આપણે પણ આવા ખોટા દસ્તાવેજના આધારે પ્રોપર્ટીનો વ્યવહાર કરવાનો ભોગ બનીએ તો તે માટે પોલીસ ફરિયાદ કરવાનો પ્રસંગ ઉભો થાય ત્યારે શું કરવાનું, તેની માહિતી આપણે જોઈએ.

આપણે જે જમીન, મકાન કે અન્ય પ્રોપર્ટી માટે ભોગ બન્યા હોઈએ તે કામે સૌપ્રથમ જે સરકારી કચેરીઓમાં આવા ખોટા દસ્તાવેજનો ગુનેગાર સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કર્યો હોય, ત્યાંથી આવા દસ્તાવેજની નકલ મેળવી શકાતા હોય તો તે તરત જ મેળવી લેવા. તથા જ્યાં આવા દસ્તાવેજ (કાગળો) રજૂ કર્યા હોય અથવા જે સ્થળે આવા કાગળો બનાવ્યા હોય તેની માહિતી આપણે એકઠી કરવી લેવી જોઈએ.

કઈ સમયગાળો દરમ્યાન આવી કાર્યવાહી ગુનેગારે કરેલી તે વિગત મેળવી લેવી જરૂરી છે. તેમાં એક કરતાં વધારે ગુનેગારો ભેગા મળી આવો ગુનો કર્યો હોય તો કયા ગુનેગારની શું ભૂમિકા છે તેની માહિતી એકઠી કરવી પડશે.

જે મિલકત અંગે છેતરામણી અથવા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોય તેની નુકસાનીની કિંમત જાણી લેવી અને આવા કિસ્સામાં કઈ વ્યકિત મારફતે ફરિયાદ કરવી હિતાવહ છે, તે એક જાણીતા કાયદાના નિષ્ણાંત પાસે નક્કી કરવું.

આવી ફરિયાદ કરવા આપણી પાસે કયા સમયગાળામાં ગુનેગારે કઈ જગ્યાએ ખોટા દસ્તાવેજ બનાવ્યા, કઈ જગ્યાએ રજુ કર્યા, તે મિલકતની બનાવ વખતે અંદાજિત કિંમત શું હતી, કઈ વ્યકિતઓએ શું ભાગ ભજવેલ તેની વિગત એકઠી કરવાની રહે અને તે વિગત આ કામના નિષ્ણાત/વકીલને જણાવી એક કાગળ ઉપર લખવાની રહે.

સામાન્ય રીતે આવી ફરિયાદ જે સ્થળે બનાવ બન્યો હોય તે સ્થળના જ્યુરિસ્ડિકશનના પોલીસ સ્ટેશનમાં નોંધવાની રહે પરંતુ કાયદામાં જોગવાઈ છે કે આપ ભારતમાં કોઈ પણ જગ્યાએથી આવી ફરિયાદ આપની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકો છો અને ત્યાંથી ફરિયાદ જ્યાં ગુનો બન્યો હોય તે પોલીસ સ્ટેશને તે મોકલવામાં આવતી હોય છે પરંતુ સામાન્ય રીતે જ્યાં ગુનો બન્યો હોય તે જ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપવામાં આવે તે વધુ યોગ્ય રહે છે. આવી ફરિયાદ તે પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારી એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશન આવ્યુ હોય તો ત્યાંના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર, પેટા વિભાગીય પોલીસ અધિકારી (એસ.પી.), રેન્જ આઈ.જી.પી.શ્રીને પણ મોકલી શકાય છે. આજ પ્રમાણે શહેર વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન ઉપર સુપરવિઝન કરતા એ.સી.પી. શ્રી, ડી.સી.પી. તે રેન્જના પોલીસ વડા અધિકારી (અધિક પોલીસ કમિશનરશ્રી) તથા પોલીસ કમિશનરશ્રીને આવિ ફરિયાદ મોકલી શકાય. તેમજ સમગ્ર રાજ્યના પોલીસ વડા એટલે કે મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહા નિદેશક શ્રી, ગુજરાત રાજ્ય-ગાંધીનગરને પણ મોકલી શકાય છે. પરંતુ સામાન્ય રીતે આવી ફરિયાદ આ ઉપરી અધિકારીઓ જે તે પોલીસ સ્ટેશનના અધિકારી તરફ પરત તપાસ માટે મોકલી આપતા હોય છે.

આમ તો આવી મિલકત વિરૂદ્ધની છેતરપિંડી કે વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસ સ્ટેશન અધિકારીને મળે ત્યારે કાયદાની જોગવાઈ મુજબ જે તે વખતે જ ગુનો નોંધવાનો હોય છે, પરંતુ સામાન્ય પ્રથા મુજબ આવી ફરિયાદ મળતા જે અરજી સ્વરૂપમાં રાખી તેની પ્રાથમીક તપાસ કરી સાક્ષીઓના નિવેદન તથા તેના લગતા દસ્તાવેજને એકઠા કરી તપાસમાં જણાઈ આવે કે આ અરજીમાં ખરેખર ફોજદારી ગુનો બનેલ છે અને આ મેટર સીવીલ-મેટર નથી ત્યારે તેમના તરફથી ઉપરી અધિકારીશ્રીને આનો અહેવાલ મોકલી જાણ કરી તેઓ તરફથી ગુનો દાખલ કરવાનો આદેશ મળતાં ગુનો નોંધવામાં આવતો હોય છે. જેને એફ.આઈ.આર. (ફર્સ્ટ ઈન્ફરમેશન રિપોર્ટ) કહેવામાં આવે છે.

એફ.આઈ.આર.ની એક નકલ જેણે આ અંગે પ્રથમ ફરિયાદ અરજી આપેલી તેમને આપવામાં આવે છે. આમ તેમણે આપેલ અરજી ફરિયાદ તરીકેનું કાયદાનું સ્વરૂપ મેળવે છે. જે એફ.આઈ.આર. જે તે વખતે નજીકની કોર્ટમાં મોકલવામાં આવે છે. ત્યાર બાદ તપાસ કરનાર પોલીસ અધિકારી આ કામે ફરીથી સાક્ષીઓના નિવેદનો મેળવે છે તથા અગાઉ અરજી તપાસ દરમ્યાન મેળવેલા દસ્તાવેજો આ કામે સામેલ રાખે છે. તપાસ દરમ્યાન ગુનેગારની ધરપકડ કરી ત્યાર બાદ ચાર્જસીટ કરી કોર્ટમાં મોકલે છે. આપણે આપેલી અરજીનો નિકાલ ન થયો હોય તો તે અંગે તે પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીને તથા તેમનાથી ઉપરી અધિકારીશ્રીને મળી ધ્યાન દોરી શકીએ છીએ.

પરંતુ વારંવાર ધ્યાન દોરવા છતાં અને ઘણો સમય વીતી જાય તો તે કામે જે તે પોલીસ સ્ટેશનની હકુમતવાળા જ્યુ.ફ.ક.મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટમાં આપણે આ ફરિયાદની નકલ રજુ કરી સીધી ફરિયાદ નોંધાવી શકીએ છીએ. નામદાર કોર્ટ આ કામે સી.આર.પી.સી.ની કલમ ૨૦૨ અથવા ૧૫૬(૩) હેઠળ આ કામે સ્થાનિક પોલીસ સ્ટેશન અધિકારી શ્રીને અથવા તેઓ શ્રીને યોગ્ય લાગે તે પોલીસ અધિકારીને આ અંગે તપાસ કરવા હુકમ કરી શકે છે. કલમ ૨૦૨ હેઠળનો જે આદેશ થાય છે તે કામે તપાસ કરનાર પોલીસ અધિકારી શ્રી માત્ર તપાસ કરી આ કામે ગુનો બનેલ છે કે કેમ તેનો અહેવાલ યોગ્ય સમયમાં પાઠવે છે પરંતુ ગુનેગારની ધરપકડ કરવાની આ કલમના થયેલ હુકમ અંગે સત્તા હોતી નથી, પરંતુ જ્યારે કોર્ટ દ્વારા કલમ ૧૫૬(૩) હેઠળની આવા કામે તપાસ કરવાનો હુકમ કર્યો હોય તો તે કામે તપાસ દરમ્યાન ગુનો બન્યાની વિગત પોલીસ અધિકારીને જણાઈ આવે તો ગુનેગારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી ૨૪ કલાકના સમયમાં કોર્ટ સમક્ષ રજુ કરી વધુ તપાસ માટે ગુનેગારને ફરીથી પોતાના કબજામાં રાખવાની જરૂર જણાય તો જેટલા દિવસ ફરીથી પોલીસ કબજામાં રાખવા હોય તેટલા દિનના પોલીસ-રીમાન્ડ મળવા રજુઆત કરી રીમાન્ડ મેળવતા હોય છે.

તપાસ પુરી થતા જો તપાસમાં ગુનાની વિગત ન જણાઈ આવે તો તે વિગતે કોર્ટને અહેવાલ પાઠવવામાં આવે છે. આવી ફરીયાદ પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ ઘણી વખત કામના અતિશય ભારણને કારણે કે અન્ય કારણસર ઘણા લાંબા સમય સુધી તપાસ ચાલતી રહે ત્યારે અરજદારની ઘીરજનો અંત આવતા નિરાશ થાય છે પોતે છેતરાયા હોવા છતાં ગુનેગાર બહાર ફરતો રહે ત્યારે ખુબ જ હતાશા અનુભવે તેવું જોવામાં આવતું હોય છે. તેથી આવા કામે પોલીસની તપાસમાં નિવેદન લખાવવા કે જે દસ્તાવેજોની તપાસમાં જરૂર હોય તે રજુ કરવામાં ઢીલ ના થાય તેની અરજદારશ્રીએ કાળજી લેવી જોઈએ આવા કામોમાં યોગ્ય તપાસ ન થવાનાં કારણોસર તથા અન્ય કારણોસર નામદાર હાઈકોર્ટમાં પણ અરજદારોશ્રી તરફથી રજુઆત કરવામાં આવતી હોય છે. પરિણામ સ્વરૂપ કોર્ટના આદેશ અનુસાર આવી ફરિયાદો અંગે યોગ્ય નિકાલ પણ આવતો હોય છે.

આમ ફરિયાદની કાર્યવાહીમાં અરજદારશ્રીએ રોજે રોજની કાર્યવાહી આગળ વધે તે માટે સાક્ષીઓના નિવેદન તથા જરૂરી દસ્તાવેજ પોલીસ પાસે રજુ કરવામાં વધારે કાળજી લઈ પોલીસને સહકાર આપતાં ઝડપી કાર્યવાહી થઈ શકે. તપાસમાં ઝડપી નિકાલ થાય તે માટે આજ-કાલ ઉપરી પોલીસ અધિકારીઓ તરફથી ઝડપી પગલા લેવાની કાર્યવાહી અમલમાં છે.
તમારી પ્રોપર્ટી, કોઈપણ મિલકતમાં તમે છેતરાયા છો ? તો પોલીસ ફરિયાદ કરવા માટે આ રીત જાણી લો. તમારી પ્રોપર્ટી, કોઈપણ મિલકતમાં તમે છેતરાયા છો ? તો પોલીસ ફરિયાદ કરવા માટે આ
રીત જાણી લો. Reviewed by Gujarat on October 10, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.